Gujarat Police Recruitment News 2026: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વડોદરા શહેરની સુરક્ષા અને પોલીસ દળમાં ખાલી પડેલી જગ્યાઓનો મુદ્દો ગાજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારને વડોદરા પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે અણીયારા પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાબમાં રાજ્ય સરકારે આગામી સમયમાં મોટી ભરતી કરવાની ખાતરી આપી છે.
Gujarat Police Recruitment News 2026
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેના મહત્ત્વના આંકડાઓ રજૂ કરતાં કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે રાજ્યમાં વર્ષ 2025-26 માં 10,288 પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે વર્ષ 2024 માં 6319 અને વર્ષ 2025 માં 4781 મળીને કુલ 11,100 પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે.વડોદરા શહેરમાં પોલીસ મહેકમની ખાલી જગ્યાઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા રાજ્યમંત્રી વેકરિયાએ જણાવ્યું કે જાન્યુઆરી-2026માં વડોદરા શહેરમાં 1131 પોલીસ કોન્સ્ટેબલની સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવી છે.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં દાવો કર્યો હતો કે, વડોદરા પોલીસમાં લાંબા સમયથી 2073 જેટલી મહત્વની જગ્યાઓ ખાલી પડી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે DIG કક્ષાના અધિકારીઓના પ્રમોશન થઈ ગયા હોવા છતાં હજુ સુધી પોસ્ટિંગ કેમ આપવામાં આવ્યા નથી? આ સાથે જ તેમણે પોલીસ ભરતી પ્રક્રિયાની ધીમી ગતિ અંગે પણ સરકાર પાસે જવાબ માંગ્યો હતો. વડોદરા Policeમાં 2073 જગ્યાઓ ખાલી હોવા અંગે શૈલેષ પરમારે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો. મંત્રી કૌશિક વેકરીયાએ રાજ્યમાં 10,000 કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત કરી.
બઢતી અને નવી ભરતીનું આયોજન
ધારાસભ્યના પ્રશ્નોનો ઉત્તર આપતા રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં બદલી, બઢતી અને નિવૃત્તિ જેવી વહીવટી પ્રક્રિયાઓને કારણે જગ્યાઓ ખાલી પડતી હોય છે, જે એક સતત ચાલતી પ્રક્રિયા છે. તેમણે વડોદરાની વિગતો આપતા ખાસ નોંધ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં વડોદરામાં 389 પોલીસ કોન્સ્ટેબલને બઢતી આપવામાં આવી છે. આ સાથે તેમણે ખાતરી આપી હતી કે વડોદરા પોલીસમાં ખાલી રહેલી 2073 જગ્યાઓ ભરવા માટે સરકાર અત્યંત ગંભીર છે અને આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
434 પોલીસ બિનહથિયારી કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી
તેમણે ઉમેર્યું કે વર્ષ 2024-25 દરમિયાન સમગ્ર રાજ્યમાં 475 બિનહથિયારી PSIની ભરતી કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2025-26માં અંદાજે 659 બિનહથિયારી PSI અને 129 હથિયારી PSI માટે સીધી ભરતીની પ્રક્રિયા હાલ કાર્યરત છે, જે પૂર્ણ થતા વડોદરા શહેરની ઘટ પૂરી કરવામાં આવશે.છેલ્લાં બે વર્ષમાં વડોદરા શહેરમાં 389 હેડ કોન્સ્ટેબલને ASI તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે 434 પોલીસ બિનહથિયારી કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત રાજ્યમાં આગામી 10,000 Police કોન્સ્ટેબલોની થશે ભરતી
ગૃહમાં ચર્ચા દરમિયાન મંત્રી કૌશિક વેકરીયાએ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં પોલીસ દળને મજબૂત કરવા માટે ટૂંક સમયમાં 10,000 નવા કોન્સ્ટેબલોની ભરતી કરવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા આ ભરતી પ્રક્રિયા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેનાથી વડોદરા સહિત રાજ્યના અન્ય શહેરોમાં પોલીસની ઘટ દૂર થશે.